મંગળવાર, 22 મે, 2018

૧૧મી સદીમાં થઈ ગયેલા ગુજરાતનાં રાજમાતા મીનળદેવી કર્ણાટકના પુત્રી હતાં!

- ગુજરાત-કર્ણાટકનો શહસ્ત્રાબ્દી જુનો સાંસ્કૃતિક સબંધ
- મીનળદેવીનું કર્ણાટકી નામ મયણલ્લા હતું : કર્ણદેવ વાઘેલા સાથે તેમનાં લગ્ન થયાં હતાં : વિરમગામનું મુનસર તળાવ.

ગુજરાત અને કર્ણાટક વચ્ચે તો સહસ્ત્રાબ્દીથી સાંસ્કૃત્તિક આદાન-પ્રદાનનો સબંધ રહ્યો છે. ૧૧મી સદીમાં થઈ ગયેલા સોલંકીકુળના પ્રખર રાજમાતા મીનળદેવી મૂળ કર્ણાટકના હતા. કર્ણદેવ (પહેલા) સાથે લગ્ન પહેલાનું તેમનું નામ મયણલ્લા હતું. 

તેમના પુત્રને ગુજરાતના ઈતિહાસમાં સિદ્ધરાજ જયસિંહ નામે ઓળખવામાં આવે છે.

ઈસવીસન ૯૬૦થી ૧૩૦૦ આસપાસ સુધી ચાલેલો સોલંકી-વાઘેલા યુગ ગુજરાતના ઈતિહાસનો સુવર્ણકાળ હોવાનું ઈતિહાસના અનેક ગ્રંથોમાં નોંધાયુ છે. આ ગાળા દરમિયાન જ રાજા ભીમદેવ, રાણી ઉદયમતિના પુત્ર કર્ણદેવ (પહેલા)ના લગ્ન ચંદ્રપુરના કુંવરી મયણલ્લા સાથે થયા હતા. એ કુંવરી મયણલ્લાએ પછી ગુજરાતમાં આવીને મીનળ નામ અપનાવ્યું હતું અને સમય જતાં તેમની પ્રજાવત્સલતાને કારણે તેઓ મીનળદેવી તરીકે પ્રખ્યાત થયા હતા. આજે પણ ગુજરાતના ઈતિહાસના ઓજસ્વી નારીપાત્રોમાં રાજમાતા મીનળદેવીનું નામ બહુ આગળ આવે છે.

સોલંકી-વાઘેલા કાળમાં પાટણપતિની ખ્યાતિ છેક દક્ષિણ સુધી વિસ્તરી હતી અને ઘણા રજવાડાંઓ સાથે ગુજરાતને સારા સબંધો હતા. એ સમયે કર્ણટકમાં આવલા ચંદ્રપુરના રાજા જયકેશીએ તેમની પુત્રી મયણલ્લાદેવીના લગ્ન અણહિલપુર પાટણના પાટવી કુંવર જયદેવસિંહ સાથે કર્યાં હતા. જોકે ગુજરાતના રાજકીય અને સાંસ્કૃત્તિક ઈતિહાસમાં લખ્યા પ્રમાણે જયકેશી પોતે રાજા નહીં, પરંતુ સામંત હતો. અલબત્ત, તો પણ તેમની સત્તા ઘણી વિશાળ હતી. સિદ્ધહેમના રચયિતા મહાકવિ હેમચંદ્રાચાર્ય બરાબર એ સમયગાળામાં જ થઈ ગયા હોવાથી તેમણે જયસિંહ-મીળનદેવીના પ્રણયનું વિસ્તૃત વર્ણન કર્યું છે.

ઉદયમતિએ પાટણની વાવ બંધાવી હતી, તો તેમના પગલે તેમના પુત્રવધુ મીનળદેવીએ વિરમગામમાં આવેલું મુનસર તળાવ બંધાવ્યુ હતુ. મુનસર તળાવ ફરતે બાંધકામ વખતે ૫૨૦ નાના-મોટાં મંદિર હતા. આજે બધા જોકે સચવાયા નથી. ઉપરથી જોતાં આ તળાવનો આકાર શંખાકૃત્તિ હોવાનું જણાય છે. 

Image result for munsar lake viramgam image
મુનસર તળાવ - વિરમગામ

ધોળકાનું મલાવ તળાવ જાણીતું છે, જે પણ મીનળદેવીએ જ બંધાવ્યુ હતું. નડિયાદમાં આવેલી ચાર માળની ડુમરાળ વાવ પણ ૧૧૫૨માં મીનળદેવીએ બંધાવી હોવાનું મનાય છે.


મીનળદેવીએ સોમનાથની યાત્રા કરી ત્યારે યાત્રા વેરો લેવાતો હતો. એ વેરો તેમણે કઢાવી નાખ્યો હતો. માન્યતા પ્રમાણે તો યાત્રા વખતે જૂનાગઢના રા'ના કર્મચારી સાથે મીનળદેવીના સંઘને સંઘર્ષ થયો હતો. એમાંથી જ જૂનાગઢ અને અણહિલપૂર પાટણ વચ્ચે દુશ્મનીના બિજ રોપાયા હતાં. છેવટે મીનળદેવીના પુત્ર સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર આક્રમણ કરી જૂનાગઢ જીતી લીધું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો