ગુરુવાર, 8 માર્ચ, 2018


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો આરંભ 8 માર્ચ, 1910ના રોજ થયો

- 1909માં અમેરિકાની મહિલા કામદારોએ મહાહડતાળ પાડી હતી

- અમેરિકામાં સ્ત્રી કામદારોનું શોષણ અને 15 કલાક કામ કરવું પડતું હતું

19મી સદીમાં રશિયા, પોલેન્ડ, ઇટાલી જેવા દેશોમાંથી હજારો નાગરિકો અમેરિકામાં સ્થળાંતર કરી ગયા હતા. આ પૈકી સ્ત્રી-કામદારો અમેરિકાના કાપડ-સુતર ઉદ્યોગમાં કામ કરતી. એમણે અત્યંત ઓછા વેતન સાથે દિવસના 15 કલાક કામ કરવું પડતું. કારખાનાના માલિકો સોય, દોરા, વીજળી-એ બધાનો ખર્ચ પણ સ્ત્રી-કામદારોના વેતનમાંથી કાપી લેતા...!

કાપડ ઉદ્યોગની આ કામદાર મહિલાઓએ એમના કામની પાળી 10 કલાકની થાય એ હેતુસહ તા.8 માર્ચ, 1857ના દિવસે મોરચો કાઢ્યો અને ફેકટરીના દરવાજે પિકેટિંગ કર્યુ. પોલીસે લાઠી-ગોળીના દમનથી આ વિરોધને દબાવી દીધો.

આ લડતની 51મી વર્ષગાંઠે તા.8 માર્ચ, 1908ના રોજ ફરી એકવાર, 15,000 કામદારોએ કામના કલાકો 10 કલાક પૂરતા મર્યાદિત કરવા ઉપરાંત બાળમજૂરી નાબૂદ કરવા, વેતનદર વધારવા અને મતાધિકારની માગણી સાથે ન્યુયોર્કના રસ્તાઓ ગજવ્યા. પોલીસે આ  વખતે પણ દમનનો દોર છુટો મૂકી દીધો.

બીજા જ વર્ષે, ઇ.સ.1909માં કાપડ-સુતરના ઉદ્યોગોની તમામ ફેકટરીઓમાં મહાહડતાળ પાડવામાં આવી. 20 થી 30 હજાર સ્ત્રી-કામદારોએ બરફ વરસાવતા શિયાળાની ઠંડીમાં 13-13 સપ્તાહો સુધી હડતાળ ચલાવી. મહિલા કામદારોએ આ તમામ સમયગાળા દરમિયાન ફેકટરીઓ ખાતે પિકેટિંગ કર્યુ.

એના બીજા વર્ષે એટલે કે ઇ.સ.1910માં સમાજવાદી મહિલાઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં વિશ્વના 17 દેશોના 100 સ્ત્રી-કામદારોના પ્રતિનિધિઓ એકઠા મળ્યા હતા. જર્મન મહિલા આગેવાન કલેરા ઝેટકિને અમેરિકી ઔદ્યોગિક મહિલા - કામદારોની ઉપરોક્ત અડગ લડતથી પ્રભાવિત થઇને આ લડતની યાદમાં વિશ્વભરમાં તા.૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જેને સર્વાનુમતે વધાવી લેવાયો. આમ, તા.8 માર્ચનો દિવસ જગતના નારી આંદોલનના ઇતિહાસમાં આગવો બની રહ્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો