ગુરુવાર, 8 ફેબ્રુઆરી, 2018


મંગળ પર જનારા રોકેટ 'ફાલ્કન હેવી'ના પ્રથમ પ્રાયોગિક ઉડ્ડયનને સફળતા મળી


- 'સ્પેસ-એક્સ' દ્વારા પૃથ્વી પરનું સૌથી કદાવર રોકેટ તૈયાર કરાયું છે!
- નાસાના ચંદ્રમિશન અને સ્પેસ શટલ જ્યાંથી લોન્ચ થતા હતા એ 'કેપ કેનેડી સ્પેસ સેન્ટર'ના લોન્ચિંગ પેડ નંબર ૩૯-એ પરથી રોકેટે ઉડાન ભરી

પૃથ્વી પરનું સૌથી શક્તિશાળી અને સૌથી વજનદાર રોકેટ 'ફાલ્કન-હેવી' આજે સફળતાપૂર્વક લોન્ચ થયું હતું. નાસાના 'કેપ કેનેડી સ્પેસ સેન્ટર' ખાતેના લોન્ચ પેડ નંબર ૩૯-એ પરથી આજે ફાલ્કન બપોરે સ્થાનિક સમય પ્રમાણે ૩ઃ૪૫ કલાકે (ભારતીય સમય પ્રમાણે રાતે પોણા બે આસપાસ) લોન્ચ થયું હતું.

આ લોન્ચિંગ પેડ પરથી જ નાસાએ વર્ષો પહેલા ચંદ્ર પર ગયેલા એપોલો મિશન અને પછી સ્પેસ શટલ લોન્ચ કર્યા હતા. એ ઐતિહાસિક લોન્ચ પેડ પરથી ફાલ્કને ઉડાન ભરીને ઈતિહાસ સર્જ્યો હતો. ૧૪,૨૦,૭૮૮ કિલોગ્રામ જેટલું તોતિંગ વજન હોવાથી આ રોકેટને 'ફાલ્કન હેવી' નામ પણ આપવામાં આવ્યુ છે. ફાલ્કન હેવી અમેરિકી કંપની 'સ્પેસ-એક્સ'ની માલિકીનું રોકેટ છે, સ્પેસ શટલની માફક નાસાનું રોકેટ નથી.

નાસાએ સ્પેસ શટલ કાર્યક્રમ બંધ કર્યા પછી કેટલીક ખાનગી કંપનીઓ રોકેટ બનાવાની કામગીરીમાં પડી છે. તેમાં બે મુખ્ય છે, એક સ્પેસ એક્સ અને બીજી 'યુનાઈટેડ લોન્ચ એલાયન્સ' છે, જેનું ડેલ્ટા રોકેટ બીજા નંબરનું સૌથી ભારે રોકેટ છે. અમેરિકી ઉદ્યોગપતિ અને ટેસ્લા મોટર્સના માલિક એલન મસ્કે અવકાશયાત્રા માટે આ સ્પેસ-એક્સ નામની કંપની સ્થાપી છે.

મસ્કની ઈચ્છા મંગળ સુધી સફર કરવાની છે. માટે એ રોકેટ સહિતના મંગળ પ્રવાસનું આયોજન કરી રહ્યાં છે. ફાલ્કન રોકેટનું પણ લાંબા ગાળાનું આયોજન મંગળ સફરનું જ છે. એ રોકેટને આજે સફળતા મળી એ મંગળ પ્રવાસની દિશામાં મહત્ત્વનું કદમ ગણાશે. આ રોકેટ અત્યંત ભારે હોવાથી તેને ધરતીના ગુરુત્વાકર્ષણથી ઊંચુ થવાની સફળતા મળી એ જ મોટી સિદ્ધિ છે. કેમ કે આ રોકેટે લોન્ચિંગ વખતે એક સાથે ૧૮ બોઈંગ-૭૪૭ વિમાન ઉડે ત્યારે પેદા થાય એટલો ધક્કો પેદા કર્યો હતો.

જોકે મંગળ તરફની સફર કરવાની થાય તો પણ તેની પ્રાથમિક તૈયારી ૨૦૨૨ પહેલા નહીં થાય. કાર ઉત્પાદક કંપનીના માલિક હોવાથી એલને રોકેટમાં સામાન તરીકે એક ખુલ્લી મોટરકાર ગોઠવી હતી. એ મોટર અવકાશમાં ઉપગ્રહની માફક જ ખુલ્લી મુકી દેવાઈ હતી, જે વરસોના વરસ સુધી કક્ષામાં ધૂમતી રહેશે. જોકે હાલ તો ઉપગ્રહની માફક આ કાર મંગળ અને ગુરુ વચ્ચે આવેલા લઘુગ્રહોના પટ્ટા તરફ સફર આગળ ધપાવી રહી છે. ત્યાં જો કોઈ લઘુગ્રહ સાથે તેની અથડામણ થશે તો કારના ચૂરા નીકળી જશે. ફાલ્કન રોકેટ ૩ બૂસ્ટર અને ૨૭ એન્જીન વડે બનેલું છે. વચ્ચેના બુસ્ટરમાં ટોચ પર અવકાશમાં મોકલવાની સામગ્રી એટલે કે પે-લોડ રાખવામાં આવ્યો હતો.

રોકેટ લોન્ચિંગની ૩ મિનિટ પછી તેના બે સાઈડના બૂસ્ટર રોકેટ ખરી પડયા હતા. અગાઉથી નક્કી થયેલા સ્થળે જ એ બુસ્ટર પૃથ્વી પરત આવ્યા હતા. આ રોકેટ એક સમયે એક સાથે ૬૩,૮૦૦ કિલોગ્રામ જેટલું વજન અવકાશમાં લઈ જઈ શકે એમ છે. જ્યારે મંગળ સુધીની સફર કરવાની હોય ત્યારે રોકેટ ૧૬,૮૦૦ કિલોગ્રામ વજન લઈ જઈ શકે છે. બૂસ્ટર એટલે રોકેટને ધક્કો મારનારા (બૂસ્ટ કરનારા) બે પડખેના રોકેટ, જેમાં કોઈ સામગ્રી હોતી નથી. મુખ્ય રોકેટને ધક્કો મારી દીધા પછી બૂસ્ટર હંમેશા ખરી પડતાં જ હોય છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સામગ્રી મોકલવા માટે હાલ સ્પેસ-એક્સનું જ ફાલ્કન-૯ નામનું રોકેટ વપરાય છે. ૨૦૧૨થી આ રોકેટે લગભગ ૪૦ મિશન સફળતાપૂર્વક પાર પાડયા છે. ફાલ્કન હેવી એ ફાલ્કન-૯નું વધારે શક્તિશાળી વર્ઝન છે.

ફાલ્કન હેવી : ફેક્ટ ફાઈલ

રોકેટ
ફાલ્કન-૯
વજન
૧૪,૨૦,૭૮૮ કિલોગ્રામ
બુસ્ટર
ઊંચાઈ
૨૨૯.૬ ફીટ
વજન ક્ષમતા
૬૩,૮૦૦ કિલોગ્રામ
પહોળાઈ
૩૯.૯ ફીટ
વ્યાસ
૧૨ ફીટ

સૌથી શક્તિશાળી રોકેટ તો 'સેટર્ન-ફાઈવ' હતું.
અત્યારે ફાલ્કન હેવી સૌથી શક્તિશાળી એટલે કે મહત્તમ વજન અવકાશમાં પહોંચાડી શકે એવુ રોકેટ છે. પરંતુ ઈતિહાસમાં સૌથી શક્તિશાળી રોકેટની યાદી તૈયાર કરવામાં આવે તો ફાલ્કન હેવીને બીજો નંબર મળે. કેમ કે પહેલો નંબર સેટર્ન-૫ નામના રોકેટને આપવો પડે જે ૧૯૬૭થી ૧૯૭૩ સુધી કાર્યરત હતું. એ રોકેટનું કામ સમાનવ ચંત્રયાત્રા યોજવાનું હતું. એ રોકેટમાં ગોઠવીને વિવિધ મિશન ચંદ્ર સુધી પહોંચાડાયા હતા. સેટર્ન-ફાઈવ ૩૬૩ ફીટ ઊંચુ હતુ અને તેનું વજન ૨૮ લાખ કિલોગ્રામ કરતા પણ વધુ હતું. એ લોન્ચ થતું હતુ ત્યારે ફાલ્કન હેવી કરતાં પણ દોઢગણું બળ પેદા થતુ હતું.

રોકેટનું વજન ૧૪.૨૦ લાખ કિલોગ્રામ છે, લોન્ચિંગ વખતે રોકેટે ૧૮ બોઈંગ-૭૪૭ વિમાન જેટલું બળ પેદા કર્યું હતું
સામાન તરીકે ખુલ્લી મોટરકાર રોકેટમાં ગોઠવી


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો