શનિવાર, 6 જાન્યુઆરી, 2018

ગીરના જંગલમાં વસેલુ રસુલપુરા બનશે દેશનુ સૌથી પહેલુ સોલર વિલેજ


ગ્રામપંચાયતને સ્ટ્રિટલાઇટનું બિલ ૨૫ વર્ષ સુધી ભરવુ નહી પડે

ગુજરાત હવે સોલરઉર્જામાં કાઠું કાઢવા જઇ રહ્યુ છે. ગીરના જંગલમાં વસેલુ રસુલપુરા ગામ દેશનુ પ્રથમ સોલર વિલેજ બનશે. આ ગામમાં પંચાયત ઘર જ નહીં,તમામ મકાનો સૌરઉર્જાથી ઝળહળશે. રાજ્ય વન વિભાગે રસુલપુરા ગ્રામપંચાયતને ગ્રાન્ટ આપતા સોલર પ્લાન્ટ શરૃ કરાયો છે. નોંધ લેવા જેવી વાત તો એછેકે,પંચાયત ખુદ સોલરઉર્જા પશ્ચિમ ગુજરાત વિજ કંપનીને વેચી કમાણી કરશે.

ગીરના જંગલને અડીને આવેલા ખોબા જેવડુ રસુલપુરા ગામમાં રૃા.૩.૭૦ લાખના ખર્ચે સોલર પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. એટલું જ નહીં, ગામમાં પંચાયતે ૫૦ સોલરસ્ટ્રીટ લાઇટો પણ નાંખી છે. અત્યાર સુધી ગ્રામપંચાયતને સ્ટ્રીટલાઇટનો ખર્ચ ભોગવવો પડતો હતો. હવે પંચાયતને પંચાયતઘર ઉપરાંત સ્ટ્રીટલાઇટનો એકેય પૈસો ભરવો નહી પડે. ઉલ્ટાનુ પંચાયત સોલર પ્લાન્ટમાં જેટલી વિજળી પેદા થશે તે,પશ્ચિમ ગુજરાત વિજ કંપનીને વેચાણ કરશે. આ સોલરઉર્જા પશ્ચિમ વિજ કંપની રસુલપુરાના ગ્રામજનોને આપશે. આમ,પંચાયત કમાણી કરશે. ગીરના જંગલમાં અંધારામાં અટવાઇ રહેતાં ગ્રામજનો માટે સોલરઉર્જા ઉજાસનું માધ્યમ બની રહેશે.

સોલર પ્લાન્ટને લીધે રસુલપુરા ગ્રામપંચાયતને ૨૫ વર્ષ સુધી વિજળીનો એકેય પૈસો ખર્ચ થશે નહીં.પંચાયતના ઘરને પણ મફતમાં વિજળી મળી રહેશે. ચાર હજારની વસ્તી ધરાવતુ રસુલપુરા દેશનું પ્રથમ સોલર વિલેજ બની રહેશે જયાં ગ્રામ પંચાયત ઘરથી માંડીને સ્ટ્રીટલાઇટો,ગામના તમામ મકાનોમાં સોલરઉર્જાનો ઉપયોગ થશે.  આવતીકાલે ૫મી જાન્યુઆરીએ વનવિભાગ દ્વારા આ સોલર પ્લાન્ટનો પ્રારંભ કરવામાં આવશે.  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો