સોમવાર, 8 જાન્યુઆરી, 2018

મણિપુરના સંશોધકે ભારતો સૌથી તીખો હાઈબ્રિડ મરચાંનો છોડ તૈયાર કર્યો

- બે તીખાં મરચાંના છોડ ભેગા કરીને વધુ તિખાશ પેદા કરાઈ

- દસ વર્ષની મહેનત પછી સફળતા મળી છે

- સૌથી તીખાં મરચાંનો વિક્રમ જોકે ત્યાં થતા ભૂત જોલોકિયાના નામે જ છે

મણિપુરના સંશોધક રાજકુમાર કિશોરે ભારતનું સૌથી તીખું મરચું ઉગાડવામાં સફળતા મેળવી છે. બે મરચાંની જાતને હાઈબ્રિડ રીતે ભેગી કરીને આ મરચું તૈયાર કરાયુ છે. આ મરચાંને હાલ 'ઓર્કિડ કિશોર' નામ આપવામાં આવ્યું છે. આ મરચાંના વિકાસ માટે રાજકુમારે સ્થાનિક ભાષામાં ઉમોરોક (ભૂત જોલોકિયા) અને માશિંગખા તરીકે ઓળખાતા બે પ્રકારના અત્યંત તીખા મરચાંના છોડને એકબીજા સાથે કલમ કર્યા હતા એટલે કે જોડયા હતા.

રાજકુમારે જણાવ્યુ હતું કે દસ વર્ષ પહેલા ૨૦૦૭માં માત્ર શોખ માટે તેમણે મરચાંનું બ્રિડિંગ શરૃ કર્યું હતું. એ પછી છોડ વિકસ્યો એટલે તેમણે માવજત કરી હતી. જે બે છોડ ભેગા કર્યા તેમાંથી ભૂત જોલોકિયા તો હાલ જગતના સૌથી તીખાં મરચાં તરીકેનો વિક્રમ ધરાવે છે. ગિનેસ બૂકે પણ તેની નોંધ લેીધેલી છે. પરંતુ એ કુદરતી રીતે ઉગે છે. જ્યારે આ હાઈબ્રિડ રીતે તૈયાર થયું છે. આ પહેલા આટલા તીખાં મરચાં ભારતમાં કોઈએ હાઈબ્રિડ રીતે પેદા કર્યાં નથી.

મરચાં કે અન્ય કોઈ પણ ખાદ્ય પદાર્થની તિખાશ માપવા માટે 'સ્કોવિલે હીટ યુનિટ (એએચયુ)'નો ઉપયોગ થાય છે. આ સ્કેલ પ્રમાણે ભૂત જોલોકિયા સરેરાશ ૨,૮૦,૦૦૦ એએચયુ ધરાવે છે. બીજી તરફ બ્રિડિંગ માટે વપરાયેલો માશિંગખાનો છોડ ૧,૦૭,૨૦૦ એએચયુ જેટલી તીખાશ ધરાવે છે. એ બન્નેના મિશ્રણથી તૈયાર થયેલું ઓર્કિડ ૨,૮૭,૪૦૦ એએચયુ જેટલું તીખુ નોંધાયુ છે. ભુત જોલોકિયાની સરેરાશ તીખાશ તેનાથી ઓછી હોવા છતાં ઘણા મરચામાં ૩ લાખ એએચયુ ઉપરાંતની પણ તીખાશ નોંધાઈ છે. માટે હાલ વિક્રમ તેના નામ છે.

ભુત જોલોકિયાને ખાસ પ્રકારના શેડ નીચે જ ઉછેરી શકાય છે. જ્યારે રાજકુમારે તૈયાર કરેલા મરચાંના છોડને ખુલ્લામાં ઉગાડી શકાયો છે. હાલ એ છોડ પાંચ ફીટનો થયો છે અને વર્ષે ૫૦થી ૬૦ મરચાં પેદા કરી શકે એમ છે. ભવિષ્યમાં તેને ખુલ્લાં ખેતરોમાં ઉગાડી શકાશે ત્યારે અહીંના મરચાં ખેડૂતોને ઘણો લાભ થશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો