ગુરુવાર, 28 ડિસેમ્બર, 2017

ઈન્ડિયન નેશનલ કોંગ્રેસનો ૧૩૩મો સ્થાપના દિવસ


પરાધિન ભારતના નાગરિકોનો અવાજ બ્રિટિશ સરકાર સુધી પહોંચે તે હેતુથી ૨૮ ડિસેમ્બર, ૧૮૮૫ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. 


હાલ તો આ સંગઠન એક રાજકીય પક્ષ છે પરંતુ એક સમયે આ પક્ષના પ્રમુખ બનવું એ મહત્વની બાબત ગણાતી હતી. મહાત્મા ગાંધી, દાદાભાઈ નવરોજી અને ઉચ્છંગરાય ઢેબર સહિતના ઘણાં ગુજરાતીઓ કોંગ્રેસના પ્રમુખપદે કાર્યકાળ નીભાવી ચૂક્યા છે.

સૌરાષ્ટ્રના જાણીતા નેતા અને સ્વાતંત્ર્ય સેનાની ઉચ્છંગરાય ઢેબર વર્ષ ૧૯૫૫થી લઇને ૧૯૫૯ સુધી કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ઉચ્છંગરાય ઢેબર વર્ષ ૧૯૪૮થી ૧૯૫૪ સુધી સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાન રહ્યા હતા. ૧૯૬૨ની લોકસભા ચૂંટણીમાં તેઓ રાજકોટ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

બ્રિટિશ સરકારના સિવિલ સર્વિસ ઓફિસર એલન ઓક્ટાવિયન હ્યુમે ભારતીય નાગરિકો અને બ્રિટિશ રાજ વચ્ચે રાજકીય અને નાગરિક અધિકારો માટે સંવાદ શક્ય બને તે માટે એક સંગઠન રચવાનો વિચાર રજૂ કર્યો હતો. આ વિચાર વર્ષ ૧૮૮૫માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સ્વરુપે વાસ્તવિકતામાં પરિણમ્યો હતો. આ વર્ષની ૨૮મી ડિસેમ્બરે મુંબઇમાં યોજાયેલા અધિવેશનમાં વ્યોમેશચંદ્ર બેનજને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. બાદમાં સંગઠન કોંગ્રેસના નામે વધુ જાણીતું બન્યું હતું.

હાલ તો સંગઠન એક રાજકીય પક્ષ તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ પક્ષના પ્રમુખ પદે ઘણાં ગુજરાતીઓ રહી ચૂક્યા છે. આઝાદી પહેલાના સમયે ભારતમાં વિવિધ સ્થળોએ દર વર્ષે કોંગ્રેસનું અધિવેશન યોજાતુ હતું. જેમાં નવા ચૂંટાયેલા કોંગ્રેસ પ્રમુખની જાહેરત કરાતી હતી.

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલા વિવિધ અધિવેશનો પૈકી પાંચ અધિવેશનોમાં નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી. હાલના સુરત જિલ્લામાં આવેલા હરિપુરામાં વર્ષ ૧૯૩૮નું અધિવેશન યોજાયું હતું. જેમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. હરિપુરા સિવાય અમદાવાદ(બે અધિવેશન), સુરત અને ભાવનગરમાં કોંગ્રેસના અધિવેશન યોજાયા હતા.

દાદાભાઈ, બદરૃદ્દીન વગેરે પારસી મહાનુભાવોનો જન્મ મુંબઈમાં જ થયો હતો. પરંતુ એ બધા મૂળ ગુજરાતી હોવાથી તેમની ગણતરી પણ ગુજરાતી તરીકે જ કરી છે. પારસીઓ ગુજરાતમાંથી જ દુનિયાભરમાં ફેલાયા છે. બીજી નોંધપાત્ર વાત એ છે કે કોંગ્રેસના પ્રમુખ તરીકે ઘણા પારસી પણ રહી ચૂક્યા છે. નાની જ્ઞાાતિ હોવા છતાં તેનું એ પ્રદાન મોટું છે.

કોંગ્રેસના ગુજરાતી પ્રમુખ કોણ કોણ હતા?
ક્રમ        પ્રમુખ                              વર્ષ            અધિવેશન

૧.      દાદાભાઈ નવરોજી                    ૧૮૮૬         કલકતા
૨.      બદરૃદ્દીન તૈયબજી                     ૧૮૮૭         મદ્રાસ
૩.      ફિરોઝશા મહેતા                       ૧૮૯૦         કલકતા
૪.      દાદાભાઈ નવરોજી                    ૧૮૯૩         લાહોર
૫.      દિનશા એદલજી વાછા                 ૧૯૦૧         કલકતા
૬.      દાદાભાઈ નવરોજી                     ૧૯૦૬         કલકતા
૭.      મોહનદાસ ગાંધી                       ૧૯૨૪       બેલગામ
૮.      વલ્લભભાઈ પટેલ                     ૧૯૩૧         કરાંચી
૯.      ઉછંગરાય ઢેબર                        ૧૯૫૫         અવાડી
૧૦.    ઉછંગરાય ઢેબર                        ૧૯૫૬         અમૃતસર
૧૧.    ઉછંગરાય ઢેબર                        ૧૯૫૭         ઈન્દોર
૧૨.    ઉછંગરાય ઢેબર                        ૧૯૫૮         ગૌહાટી
૧૩.    ઉછંગરાય ઢેબર                        ૧૯૫૯         નાગપુર  


ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશન

ક્રમ               સ્થળ                અધિવેશન વર્ષ                પ્રમુખ

૧.              અમદાવાદ             ૧૯૦૨                 સુરેન્દ્રનાથ બેનર્જી
૨.              સુરત                   ૧૯૦૭                 રાસબિહારી ઘોષ
૩.              અમદાવાદ             ૧૯૨૧                 દેશબંધુ ચિતરંજન દાસ
૪.              હરિપુરા                ૧૯૩૮                 સુભાષચંદ્ર બોઝ

૫.              ભાવનગર             ૧૯૬૧                 નિલમ સંજીવ રેડ્ડી


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો