સોમવાર, 4 ડિસેમ્બર, 2017

બ્રહ્મપુત્ર નદીમાં દેશની પ્રથમ તરતી પ્રયોગશાળા 'બી-૪' કાર્યરત થશે

- ચીનમાંથી નીકળતી બ્રહ્મપુત્રમાં દર વર્ષે પૂરથી તબાહી સર્જાય છે

- દુનિયાનો નદી વચ્ચે આવેલો સૌથી મોટો ટાપુ માજોલી બ્રહ્મપુત્રમાં છે.

ભારતની પ્રથમ તરતી પ્રયોગશાળા એટલે કે સંશોધન કરી શકે એવું જહાજ બ્રહ્મપુત્ર નદીમાં કાર્યરત થશે. આ પ્રયોગશાળાની ચોક્કસ તારીખ હજુ નક્કી નથી થઈ. પરંતુ આગામી દિવસોમાં પ્રયોગશાળા કાર્યરત થાય એટલા માટે ગુહાવટી સ્થિત 'ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી' કામ કરી રહી છે. કેન્દ્ર સરકારના બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટે થોડો સમય પહેલા જ નિર્ણય લઈને આ કામગીરી આઈઆઈટીને સોંપી હતી. આ લેબોરેટરીને 'બ્રહ્મપુત્ર બાયોડાયવર્સિટી એન્ડ બાયોલોજી બોટ (બી-૪)' નામ આપવામાં આવ્યું છે.

આ બોટ એક પ્રકારનો તરતો તરાપો હશે અને તેના પર સંશોધન કેન્દ્ર હશે. એમેઝોન સહિત દુનિયાની ઘણી મોટી નદી અને સમુદ્ર-મહાસાગર પર આ રીતે તરતી લેબોરેટરી કામ કરતી હોય છે. બી-૪ વિવિધ સ્થળેથી બ્રહ્મપુત્રનું પાણી અને તેના કાંઠેથી માટી લઈ તેનો અભ્યાસ કરશે. હાલ કેન્દ્ર સરકારે એ માટે ૫૦ કરોડ રૃપિયાની ફાળવણી કરી છે. ભવિષ્યમાં વધારે રકમ પણ ફાળવશે.

ચીનથી પ્રગટ થઈ ભારતમાં અરૃણાચલ પ્રદેશથી પ્રવેશતી બ્રહ્મપુત્ર દર વર્ષે તેના પૂરથી તબાહી સર્જે છે. જોકે કદાવર બ્રહ્મપુત્રનો ભારતે ક્યારેય વૈજ્ઞાનિક ધોરણે અભ્યાસ કર્યો નથી. નદી વચ્ચે આવેલો જગતનો સૌથી મોટો ટાપુ માજોલી પણ બ્રહ્મપુત્રની વચ્ચે છે. એ ટાપુ હવે ખવાતો જાય છે. થોડા સમય પહેલા થયેલા સંશોધન પ્રમાણે માજોલી ટાપુ દર વર્ષે સરેરાશ ૨ ચોરસ કિલોમીટર લેખે ધોવાતો જાય છે. તેની માટીનો પણ અભ્યાસ કરવાનો છે.

બ્રહ્મપુત્ર ચીનથી ભારત થઈ બાંગ્લાદેશમાં પ્રવેશે છે. આ નદીના કાંઠે વિકસેલા જંગલો, તેના પાણીમાં થતા છોડ-વેલા વગેરે સંશોધકો માટે અચરજનો વિષય છે. કેમ કે ઉત્તર-પૂર્વ વિસ્તાર પર જોઈએ એટલુ સંશોધન થયું જ નથી. માટે સરકારે આ પ્રોજેક્ટ દ્વારા શરૃઆત કરી લાંબા ગાળાનું આયોજન વિચાર્યું છે. એ પ્રમાણે આગામી સમયમાં બ્રહ્મપુત્ર પર બે માળની તરતી પ્રયોગશાળા પણ ચાલુ કરાશે.


પુષ્કળ પાણી ધરાવતી અને ક્યાંક ક્યાં દસ-વીસ કિલોમીટર સુધીનો પહોળો પટ ધરાવતી બ્રહ્મપુત્રનો ઉપયોગ હાલ જળમાર્ગ તરીકે થાય છે. પરંતુ આ નદીની પ્રકૃત્તિ કેવી છે એ જાણી શકાયુ નથી. તેના પૂરથી દર વર્ષે ઉત્તર-પૂર્વના એકથી વધુ રાજ્યો જળમગ્ન થાય છે. પૂરની એ સ્થિતિ ટાળી શકાય નહીં, પરંતુ જો નદીના પાણી વિશે વૈજ્ઞાાનિક જાણકારી હોય તો સાવચેતીના પગલા અચૂક લઈ શકાય. માટે ભારત સરકારે આ પહેલ કરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો