બુધવાર, 15 નવેમ્બર, 2017

મોદીની જાપાન, વિયેતનામ, ચીન અને ઓસ્ટ્રેલિયાના વડા સાથે બેઠક

- ભારત-જાપાન વ્યાપારને વધુ મજબુત બનાવશે તેવો મોદીનો દાવો

- મારા મિત્ર આબે સાથેની મારી બેઠક સુખદ રહી: મોદી


મોદીની જાપાન, વિયેતનામ, ચીન અને ઓસ્ટ્રેલિયાના વડા સાથે બેઠક   


વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસીયાન દેશોની સમીટમાં ભાગ લેવા માટે ગયા છે. આ સમીટના બીજા દિવસે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંગઠનના ટોચના નેતાઓની સાથે બેઠક યોજી હતી.
આ વખતે તેઓએ જાપાનના વડા પ્રધાન સિંઝો આબે, ઓસ્ટ્રેલિયાના પીએમ માલ્કન ટર્નબુલ તેમજ વીયેતનામના પીએમ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારત સાથેના સંબંધો મુદ્દે પણ ચર્ચા થઇ હતી. વડા પ્રધાન મોદી અને આબેની આ બેઠક અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બેઠક બાદ યોજાઇ હતી.
મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મારા મિત્ર આબે સાથેની મારી આ બેઠક બહુ જ સુખદ રહી છે. ભારત અને જાપાનના સંબંધોને વધુ કેવી રીતે મજબુત બનાવી શકાય તે મુદ્દે અમે ચર્ચા કરી છે. સાથે અર્થતંત્ર અને લોકો વચ્ચેના જોડાણને પણ સુધારવાના પ્રયાસો કરાશે. મોદીએ ઓસ્ટ્રેલિયા અને વીયેતનામના વડા પ્રધાનની સાથે પણ બેઠક યોજી હતી.
આ બેઠકમાં પણ ભારત અને આ બન્ને દેશો વચ્ચેના સંબંધોની ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન મોદીએ આગામી ૨૬મી જાન્યુઆરીએ ભારતમાં આવવા પણ આસીયાન દેશોના વડાઓને આમંત્રણ આપ્યું હતું.
મોદીએ જાપાન, વીયેતનામ, ઓસ્ટ્રેલિયા ઉપરાંત ચીનના વડા પ્રધાન લી કેકિંગની સાથે પણ બેઠક યોજી હતી, જોકે આ બેઠકમાં ક્યા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ તેની માહિતી જાહેર કરવામાં આવી નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો