શુક્રવાર, 3 નવેમ્બર, 2017

જમ્મુ-કાશ્મીરમાં રૃ.૧૧૦૦ કરોડના ખર્ચે વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ બનશે

- ચીનમાં બેઈપેન નદી ઉપર બનેલાં ૯૦૨ ફૂટ ઊંચા પુલનો રેકોર્ડ તૂટશે

- ચિનાબ નદી ઉપર બની રહેલા બ્રિજની ઊંચાઈ ૧૧૭૭ ફૂટ હશે ૧૧૧ કિ.મી. લાંબો બ્રિજ ૨૦૧૯ સુધીમાં તૈયાર થવાન ચિનાબ નદી ઉપરનો બ્રિજ પેરિસના એફિલ ટાવરથી પણ ૧૧૪ ફૂટ ઊંચો હશે.

જમ્મુ-કાશ્મીરની ચિનાબ નદી ઉપર દુનિયાનો સૌથી ઊંચો બ્રિજ બનાવીને ભારત વિશ્વવિક્રમ કરશે. ૧૧૦૦ કરોડ રૃપિયાના ખર્ચે તૈયાર થનારા બ્રિજની ઊંચાઈ ૧૧૭૭ ફૂટ હશે અને એ બ્રિજ લગભગ ૧૧૧ કિલોમીટર લાંબો હશે.

જમ્મુ-કાશ્મીરમાં કટડા અને કૌડીને જોડવાનું કામ કરનારો આ બ્રિજ ૧૩ કલાક લાંબો રસ્તો ૬ કલાક સુધી સીમિત કરીને પરિવહન સરળ બનાવશે. એન્જિનિયરિંગની દૃષ્ટિએ અજાયબી ગણાય એવો આ બ્રિજ ૧૧૦૦ કરોડના ખર્ચે તૈયાર થશે. ૧૧૭૭ કિલોમીટર ઊંચો આ બ્રિજ તૈયાર થશે ત્યારે વિશ્વનો સૌથી ઊંચ બ્રિજ હશે. અત્યારે વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ ચીનમાં છે. ચીનમાં બેઇપેન નદી ઉપર બનેલો બ્રિજ ૯૦૨ ફૂટ ઊંચો છે.

ભારતમાં બની રહેલો આ પુલ પેરિસનાં વિશ્વવિખ્યાત એફિલ ટાવર કરતા ૧૧૪ ફૂટ ઊંચો હશે અને ભારતના જ કુતુબમિનાર કરતા તેની ઊંચાઈ ૫ ગણી વધારે હશે.

આમ તો આ બ્રિજનું કામ ૨૦૦૨થી શરૃ થયું હતું, પણ પછી સુરક્ષાના કારણોસર કામ અટકી ગયું હતું. ફરીથી ૨૦૧૦માં પુલનું કામ શરૃ થયું હતું, પણ ફરીથી ટેકનિકલ કારણોથી ૨૦૧૧ના અંતમાં કામ બંધ પડયું હતું. ફરીથી ભારતીય એન્જિનિયરોએ એ કામને હાથમાં લીધું છે.

રેલવે મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે કાશ્મીરમાં રેલવે લિંકનું સૌથી પડકારભર્યું જે કામ છે તેમાં આ બ્રિજનો પણ સમાવેશ થાય છે. એન્જિનિયરિંગની દૃષ્ટિએ પડકાર એવો આ બ્રિજ એકાદ-બે જગ્યાએ ભલભલા એન્જિનિયરોની કસોટી કરે એવા વળાંકો પરથી પસાર થશે. આગામી સપ્તાહથી ફરી પુલનું કામ આગળ વધશે.


૧૫૦ ફૂટ લંબાઈ ઉપર આર્ક લગાવવાનું કામ શરૃ થશે અને એ માટે દુનિયાની સૌથી વિશાળ કેબલ ક્રેનનો ઉપયોગ થશે. આ બ્રિજ બનાવવામાં ૨૪,૦૦૦ ટન સામગ્રી વપરાશે. રેલવે મંત્રાલયના અધિકારીઓના દાવા પ્રમાણે ૨૦૧૯ સુધીમાં બ્રિજ તૈયાર થઈ જાય તેવી શક્યતા છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો