મંગળવાર, 10 ઑક્ટોબર, 2017

સુરત: તાપીનદીના પેટાળમાં પાણીનો જથ્થો શોધવા એક્વેફીઅર મેપીંગ કરશે

સુરતમાંથી પસાર થતી તાપી નદીના મગદલ્લાથી કામરેજ સુધીના પટમાં મ્યુનિ. તંત્ર સતત 7 દિવસ સુધી હેલીકોપ્ટરનો ઉપયોગ કરીને તાપીના પેટાળમાં રહેલો પાણીનો જથ્થો શોધવા માટે એક્વેફીઅર મેપીંગની કામગીરી કરશે.

સુરતીઓને આગામી 50 વર્ષ સુધી પીવાનો પાણીનો જથ્થો મળી રહે તે માટે કરવામાં આવેલો આ સર્વે  મેટ્રો ટ્રેન, હાઈવે તથા બ્રિજના નિર્માણના આયોજન માટે પણ ઉપયોગમાં આવશે. સુરત શહેરના લોકોને આગામી 50 વર્ષ સુધી પીવાનું પાણી પુરૂ પાડવા માટે મ્યુનિ. તંત્રએ તાપી નદીના પેટાળમાં પાણીનો જથ્થો શોધવા માટે સર્વે કરાવવાનું નક્કી કર્યું છે.

સતત 7 દિવસ સુધી મગદલ્લાથી કામરેજ સુધી તાપી નદીના તટ તથા આસપાસના વિસ્તારના પેટાળમાં પાણીનો જથ્થો ક્યાં છે તે શોધવા માટે એક્વેફીઅર મેપીંગની કામગીરી કરવામાં આવશે. એક્વેફીઅર મેપીંગ બાદ તાપીના પેટાળમાં કઈ જગ્યાએ પાણીનો જથ્થો કેટલી માત્રામાં છે અને કઈ ગુણવત્તમાં છે તે અંગેની માહિતી મળી શકશે.

કેન્દ્ર સરકારની નેશનલ જીઓફીઝીકલ રિસર્ચ એક્વેફીઅરમેપીંગની કામગીરી કરશે જેનો રિપોર્ટ છ માસ સુધીમાં આવશે. પાણીના જથ્થા માટે મ્યુનિ. તંત્ર આ પ્રકારની કામગીરી કરશે. ત્યારબાદ  દર વખતે ફ્રેન્ચવેલ બનાવવા માટે સર્વેની જરૂર પડશે નહીં.


આ ઉપરાંત પાણી માટે કરવામા આવેલા સર્વેમાં સુરતમાં મેટ્રો ટ્રેન માટે જે આયોજન થઈ રહ્યું છે તેના માટે પણ આ સર્વે કામ લાગી શકે છે. સુરતમાં આઉટર રીંગરોડ, બ્રિજ, હાઈવે જેવા પ્રોજેકટના નિર્માણ માટે પણ સર્વેના આંકડાનો મ્યુનિ. તંત્ર ઉપયોગ કરી શકે છે. જ્યાં પાણીનો જથ્થો મોટા પ્રમાણમાં મળી શકે ત્યાં નદી કિનારે  પાણી પુરવઠા માટે યોજના બનાવવી હોય તો તંત્ર જગ્યાના સંપાદનની કામગીરી પણ કરી શકે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો