ગુરુવાર, 17 ઑગસ્ટ, 2017

ભારતની 7 ઓળખ 


યોગ અને આયુર્વેદ

વૈદિક ભારતની અદ્ભુત દેન એટલે યોગ-ધ્યાન અને આયુર્વેદ. તન અને મનની શુદ્ધિ માટે સદીઓથી ભારતીયો યોગને પ્રયોજે છે. યોગ અને ધ્યાન માનસિક સ્થિરતા આપવાની સાથે સાથે સાધકને આધ્યાત્મિક યાત્રા પણ કરાવે છે. મોક્ષ માટે ધ્યાન અને યોગનું મહત્વ આપણા પૌરાણિક ગ્રંથોમાં ઋષિઓએ સમજાવ્યું છે. યોગ મનની સ્થિતિ બહેતર બનાવે છે તો આયુર્વેદ તનને તંદુરસ્ત રાખે છે. કહેવાય છે કે લુપ્ત થઈ રહેલી આ વિદ્યા પાસે તમામ દુઃખની સારવાર હતી.

સહિષ્ણુતા અને વિવિધતામાં એકતા 

ભારતમાં મહાન યોદ્ધાઓ જન્મ્યા છે, જે વિશ્વવિજેતા બની શકે એવા સક્ષમ હોવા છતાં તેમણે પરપ્રાંત ઉપર હુમલો કરીને બર્બરતા આચરી નથી. સહિષ્ણુતા ભારતીયોની પરંપરા રહી છે. એ જ રીતે વિવિધતામાં એકતા એ સદીઓથી ભારતની ઓળખ છે. જુદી-જુદી ભાષા, પહેરવેશ, રીતભાત સહિતની કેટલીય બાબતોમાં ભારતીયો એકમેકથી અલગ છે છતાં એક છે. આ એકતા ભારતનો પ્રાણ છે.

લોકશાહી અને મધ્યમવર્ગ

ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવે છે. ૧૨૫ કરોડની જનતા હંમેશા લોકશાહીનું સન્માન જાળવે છે. ક્યારેક સત્તાપક્ષ વિપક્ષ હોય તો ક્યારેક વિપક્ષ સત્તાપક્ષ હોય છે, પણ દરેક સ્થિતિમાં રાજકીય પાર્ટીઓએ પણ જનાદેશનું પાલન કર્યું છે. શરીરમાં જે કામ કરોડરજ્જુ કરે છે એ કામ દેશમાં મધ્યમવર્ગ કરે છે. મધ્યમવર્ગ ઉપર વિશ્વ આખાની નજર છે. ભારતના વિશાળ મધ્યમવર્ગમાં વિશ્વને ગ્રાહકો દેખાય છે અને દેશનું અર્થતંત્ર પણ મધ્યમવર્ગથી ધમધમે છે.

શૂન્ય 

શૂન્યની શોધ પહેલાં ય ગણતરીઓ થતી જ હતી, પણ શૂન્યની શોધથી ગણિતમાં ક્રાંતિ થઈ હતી. એ શોધના કારણે જ પછી કમ્પ્યુટરમાં થતી ગણતરીને પણ આધાર મળ્યો. એ શોધ પાંચમી સદીમાં આર્યભટ્ટે કરી હતી. શૂન્યની ગણતરીના આધારે જ ભારતના અદ્ભુત સ્થાપત્યોનું નિર્માણ થયું હતું. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી, પણ એ પહેલાંની ભૂમિકા ૩જી સદીમાં થયેલા પિંગળાચાર્યએ બાંધી આપી હતી એમ પણ કહેવાય છે. વિશ્વના દેશો ભારતના સંપર્કમાં આવ્યા પછી તેમણે પણ તબક્કાવાર શૂન્યને અપનાવવાનું શરૃ કર્યું.

પ્રાચીન વિશ્વવિદ્યાલય


નાલંદા, તક્ષશિલા અને વલ્લભી જેવી શિક્ષણ સંસ્થાઓ પ્રાચીન ભારતમાં શિક્ષણનું મુખ્ય કેન્દ્ર બની હતી. પટણાની નજીક આજેય નાલંદાના અવશેષો જોવા મળે છે, તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ૭મી સદીમાં નાલંદાની ભવ્યતા કેવી હશે. એ જ રીતે બીજી મહત્વની યુનિવર્સિટી તક્ષશિલા હતી. ૨૭૦૦ વર્ષ પહેલાં સ્થપાયેલી ગણાતી આ યુનિવર્સિટીમાં ૧૦ હજાર વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવતા હતા. એ જ રીતે ગુજરાતમાં વલ્લભી વિશ્વવિદ્યાલયની શાખ પણ આખા ભારતમાં પ્રસરી હતી.

મહાકાવ્યો અને ફિલસૂફી

રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યો, એટલે કે સ્ટોરીટેલિંગની કળા આપણે ત્યાં પાંચેક હજાર કરતા પણ વધુ જૂની છે. વાલ્મીકિ અને વેદવ્યાસની મહાકાવ્યોની પરંપરા પછી તો કાલિદાસ, માઘ અને ભારવિ જેવા મહાકવિઓએ પણ આગળ ધપાવી. એ પહેલાંના ભારતીય શાસ્ત્રોમાં પણ માનવજીવન અને અધ્યાત્મની ફિલસૂફી ગહન રીતે વ્યક્ત થઈ છે. એમ તો સદીઓ પહેલાં વાત્યાયને કામસૂત્રના માધ્મયથી પ્રેમ કરવાની પરિભાષા વિશ્વ સમક્ષ રજૂ કરી હતી.

મરી-મસાલા અને શાકાહાર

તજ-લવિંગ-મરી-જીરુ સહિતના મસાલા ભારતની વિશિષ્ટતા છે. આ વિશિષ્ટતાએ જ ભારતને પરાધીન બનાવ્યું હતું. વિદેશીઓ મરી-મસાલાની સોડમથી આકર્ષાઈને જ ભારતમાં આવ્યા હતા. ભારતની બીજી ખાસિયત શાકાહાર છે. આપણે ભારતીયોએ સદીઓથી શાકાહારનું મહત્વ સ્વીકાર્યું છે. વિદેશી ફૂડની ભારતમાં વધતી ડિમાન્ડ વચ્ચે આજેય દેશના ૨૭ ટકા એટલે કે લગભગ ૩૮ કરોડ લોકો શુદ્ધ શાકાહારી છે. ભારત વિશ્વનો સૌથી મોટો શાકાહારી દેશ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો