શુક્રવાર, 11 ઑગસ્ટ, 2017

મોરબીના મચ્છુ ડેમની હોનારતની આજે 38મી વરસી



11 ઓગસ્ટ 1979નો દિવસ હતો, સમય બપોરે 3 કલાક અને 15 મિનિટ.. મોરબીમાં સમાચાર વહેતા થયા કેલાગલગાટ વરસાદથી ઉપરવાસનાં ભાગોમાંથી સતત થતી પાણીની આવકને કારણે મચ્છુ-૨ ડેમ તૂટયો છે.

હજુ તો કંઈ વિચારે તે પહેલા જ બપોરે 3 કલાક અને 30 મિનીટ 15 મિનીટમાં જ પૂરના પાણી મોરબીમાં ઘૂસી ગયા અને પછી શરૃ થયું કદાપિ ન વિસરી શકાય તેવું મોતનું તાંડવ!

આજે 38-38 વર્ષનાં વ્હાણા વાઈ ગયા આ ગોઝારી ઘટનાને, આ અરસામાં મચ્છુ નદીમાંથી ઘણાં પાણી વહી ગયા પણ એ ઘટના હજૂ મોરબીનાં શહેરીજનોનાં માનસપટ પરથી વિસરાઈ નથી.


મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ-2 ડેમનાં પાણી એ માત્ર બે કલાકમાં એવી તે કયામત વરસાવી કે, હજારો જિંદગી હતી ન હતી થવા લાગી, જીવ બચાવવા લોકો પોતાનાં મકાનો ઉપર ચડી ગયા તો જોતજોતામાં મકાનો જમીન દોસ્ત થવા લાગ્યા, ધસમસતા વહેણમાં જિંદગીઓ તણાવા લાગી.

સ્વજનો, અબોલ પશુઓ, ઘરવખરી મિલકતો, શહેર જાણે સ્મશાન ઘાટમાં ફેરવાઈ રહ્યું હતું. આ દ્રશ્યો ક્યાંંથી વિસરાય.. માત્ર બે કલાકમાં મોરબી હતું ન હતું થઈ ગયું અને દિવસો સુધી શહેરની ગલીઓ, બજારોમાં પડી રહેલા હજારો મૃતદેહો કૂદરતનાં કહેરની ગવાહી આપતા રહ્યાં. કોઈએ કલ્પના પણ કરી ન હતી કે, જીવાદોરી ગણાતો ડેમ જ જીવન દોરી કાપી નાખશે.


મચ્છુ જળ હોનારતની આજે ૩૮મી વરસીએ બપોરે ૩.૧૫ કલાકે પાલિકા દ્વારા સાયરન વગાડાશે. મણીમંદિરનાં પરિસરમાં સ્મૃતિ સ્થાન ખાતે દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાશે. આ પૂર્વે મૌન રેલી નિકળશે.

10 હજાર લોકોનાં થયાં હતાં મોત:

- 10 દિવસ સુધી અનરાધાર વરસાદ વરસતા આવ્યું હતું પૂર.
-  24 કલાકમાં અંદાજે 30 ઈંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હતો..
- 4,00,000 કયુસેકની આવક સામે ફલડગેટ માત્ર 2,20,000 કયુસેકની જ ક્ષમતા ધરાવતા    હોવાથી   તૂટયો હતો ડેમ.
- 20 મિનિટમાં જ આખું મોરબી થઈ ગયું હતું પાણીમાં ગરક.
- 12 ફુટથી 30 ફુટ સુધી ભરાયા હતા પાણી.
- 10,000 લોકોનાં થયાં હતાં મોત.
- 5 કિ.મી.નો રહેણાંક વિસ્તાર પાણીમાં અદ્રશ્ય થઈ ગયો હતો.
- 100 કરોડ રૃપિયાનું નુકસાન થયું હોવાનું તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ પટેલે જાહેર કર્યું હતું.
- 75,000ની વસતી એ સમયના મોરબીમાં હતી.

- 24 કલાક બાદ સમાચાર માધ્યમોમાં પૂરની જાહેરાત થઈ હતી - (રેડીયો)


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો