ગુરુવાર, 17 ઑગસ્ટ, 2017

૭૦ વર્ષ, ગૌરવની ૭૦ ક્ષણો - 1991-1998 


૧૯૯૧ : પરમ, પ્રથમ સુપરકમ્પ્યુટર


કમ્પ્યુટર કરતાં અનેકગણુ શક્તિશાળી મશીન, જે સુપરમેન જેવી ચમત્કારીક ઝડપે અબજો ગણતરી પળવારમાં કરી આપે એ સુપર કમ્પ્યુટર. ભારતે પ્રથમ સુપર કમ્પ્યુટર 'પરમ' ૧૯૯૧માં તૈયાર કરી કાર્યરત કરી દીધું હતું. પૂનામાં આવેલા સી-ડેક સેન્ટરે તેને ડિઝાઈન અને એસેમ્બલ કર્યું હતું. કમ્પ્યુટર તૈયાર થયા પછી તેના નામ માટે સંસ્કૃત શબ્દ પરમ અપનાવાયો હતો, જેનો અર્થ થાય છે સુપ્રીમ-સર્વોચ્ચ. પરમ સિરિઝમાં ભારતે હવે તો અનેક સુપર કમ્પ્યુટર તૈયાર કરી નાખ્યાં છે.

૨૪ જૂલાઈ, ૧૯૯૧ : આર્થિક ઉદારીકરણની શરૂઆત

'કોઈ આઈડિયાના અમલીકરણનો સમય આવી ગયા પછી તેને પૃથ્વી પરની કોઈ તાકાત રોકી શકતી નથી' એવું મહાન ફ્રેન્ચ નવલકથાકાર વિક્ટર હ્યુગોનું વાક્ય ટાંકી કેન્દ્રિય નાણામંત્રી મનમોહનસિંહે બજેટ રજૂ કર્યું હતું. તેમાં દેશની આર્થિક નીતિ બદલવાની વાત હતી, જે આઝાદી પછી લગભગ લકવાગ્રસ્ત થયેલી હતી.

૧૯૯૨માં એ નીતિઓનો અમલ થયો જે લિબરેલાઈઝેશન-પ્રાઈવેટાઈઝેશન-ગ્લોબલાઈઝેશન (એલપીજી)નામે ઓળખાતી થઈ. સરકારે ઉદ્યોગો માટે મોકળું મેદાન ખોલ્યું, પરદેશી કંપનીઓને આવકારી અને બધું સરકાર પોતે જ કરશે એવી ભાવનાનો ત્યાગ કરી ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું. એ પછી દેશનું અર્થતંત્ર પાટે ચડયું અને આજે બૂલેટ વેગ હાંસલ કરી રહ્યું છે.

૩૦ માર્ચ, ૧૯૯૨ : સત્યજીત રેને ઑસ્કર

ભાનુ અથૈયાને પ્રથમ ભારતી તરીકે ઑસ્કર મળ્યો હતો તો સત્યજીત રે એવા પ્રથમ ભારતીય હતા જેમને ઑસ્કર સમિતિએ માનદ એટલે કે ઓનરરી એવોર્ડ આપ્યો હતો. અથૈયાને ઑસ્કર મળ્યો એ ફિલ્મ ગાંધીના સર્જક બ્રિટિશ ડિરેક્ટર હતા. જ્યારે સત્યજીત રેનો ઓસ્કર સંપૂર્ણ સ્વદેશી હતો કેમ કે તેમના ડિરેક્શનની કદર માટે ઑસ્કર અપાયો હતો.

એ વખતે રે બિમાર હતા, પથારીવશ હતા. માટે ઓસ્કર સમિતિએ સ્ટેજ પરથી રેનો વિડિયો બતાવીને એવોર્ડની જાહેરાત કરી હતી. બાદમાં ટ્રોફી તેમને પહોંચતી કરવામાં આવી હતી. કુલ ૩૨ નેશનલ ફિલ્મ એવોર્ડ ઉપરાંત રેને પદ્મ ભૂષણ અને ભારત રત્ન જેવા સર્વોચ્ચ સન્માનો પણ મળ્યા હતા.

૨ ઓક્ટોબર, ૧૯૯૨ : ખાનગી ચેનલોની શરૂઆત

ભારતમાં અત્યારે ૮૦૦થી વધારે ચેનલો ટીવી પર ઉપલબ્ધ છે. તેની શરૃઆત ૧૯૯૨માં થઈ જ્યારે ઝી ટીવી નામે પ્રથમ હિન્દી મનોરંજન ચેનલનો આરંભ થયો. ટીવી સિરિયલોની અને ખાસ તો સાંજનો સમય પ્રાઈમ ટાઈમ ગણાવવાની એ પછી શરૃઆત થઈ. મનોરંજન ચેનલોની સફળતાના પગલે ફિલ્મો માટેની ચેનલ, ધર્મની ચેનલ, વિજ્ઞાાન-ટેકનોલોજી, બાળકોની ચેનલો, સમાચાર વગેરેનો પણ પ્રવેશ થયો અને ચેનલ એક વિશાળકાય ઉદ્યોગ બન્યો. દર્શકોને મનગમતા કાર્યકમો જોવા મળતાં થયા એ સૌથી મોટો ફાયદો થયો.

૮ ફેબુ્રઆરી, ૧૯૯૪ : કપિલ દેવની ક્રિકેટ સિદ્ધિ

૧૯૯૪ની ૮મી ફેબુ્રઆરીએ અમદાવાદમાં શ્રીલંકા સામે રમતા કપિલ દેવે ૧૩૦મી ટેસ્ટમાં ૪૩૨મી વિકેટ ઝડપી હતી. એ સાથે જ કપિલ જ દેવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રિચાર્ડ હેડલીનો વિક્રમ પણ તોડી નાખ્યો હતો. એક મહિના પછી માર્ચ, ૧૯૯૪માં કપિલ દેવે પોતાની અંતિમ ટેસ્ટ રમી. એ પછી તેમના નામે ૪૩૪ વિકેટ અને ૫૫૩૮ રન બોલતા હતા.

એ વખતે ૫ હજારથી વધુ રન અને ૪૦૦થી વધુ વિકેટ ઝડપનારા જગતના એકમાત્ર ક્રિકેટર કપિલ દેવ હતા. કપિલ દેવના ઘણા વિક્રમો આજે પણ અતૂટ છે. ૨૨૫ વન-ડેમાં કપિલ દેવના નામે ૩૭૮૭ રન અને ૩૫૩ વિકેટ નોંધાયેલા છે. આજના ખેલાડીઓને ફિટનેસની મોટી સમસ્યા રહે છે, ત્યારે કપિલ દેવ એવા ખેલાડી હતા જેમણે કરિયારમાં ક્યારેય કોઈ ટેસ્ટ ફિટનેસના અભાવે ડ્રોપ કરવી ન પડી હતી. તેમની સિદ્ધિઓને ધ્યાનમાં લઈને આઈસીસીએ કપિલ દેવને હોલ ઓફ ફેમમાં સ્થાન આપ્યું છે.

૧૫ ઓગસ્ટ, ૧૯૯૫ : ઈન્ટરનેટનો પ્રારંભ

વિદેશ સંચાર નિગમ લિમિટેડ (VSNL) દ્વારા ૧૯૯૫ની ૧૫મી ઓગસ્ટે ભારતમાં જાહેર જનતા માટે ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સરકારે શૈક્ષણિક સહિતના હેતુઓથી નેટ કનેક્શનની નેટ પ્રેક્ટિસ તો ૧૯૮૬થી શરૃ કરી હતી. વીએસએનલએલના અધિકારીઓ ઉપરાંત કમ્પ્યુટર પ્રેમી બોલિવૂડ એક્ટર શમ્મી કપૂરે પણ ભારતમાં ઈન્ટરનેટ શરૃ થાય તેમાં રસ લીધો હતો. પ્રથમ સેવા ભારતના ચાર ચાંદ મુંબઈ, દિલ્હી, કલકતા, મદ્રાસમાં શરૃ થઈ હતી. હવે ભારત ફોર-જી સુધી પહોંચી ગયું છે અને ઈન્ટરનેટના અનેક હકારાત્મક ઉપયોગો થઈ રહ્યાં છે.

૧૫ ઓગસ્ટ, ૧૯૯૫ : શાળાએ ભોજન

ગરીબ બાળકો પાસે ખાવાના જ પૈસા ન હોય ત્યારે ભણાવવા ક્યાંથી મોકલવા? અનેક પરિવારોની એ સમસ્યા દૂર કરવા સરકારે ૧૯૯૫માં શાળામાં જ મીડ-ડે મીલ સ્કીમ શરૃ કરી. મધ્યાહન ભોજનને કારણે શિક્ષણ માટે નહીં તો ભોજન માટે બાળકો સ્કૂલે આવતા થયા. આજે મીડ-ડે મીલ સ્કીમ જગતની સૌથી મોટી ભોજન યોજના છે અને ભારતમાં ૧૨ કરોડ બાળકો તેનો લાભ લે છે. યોજનામાં નાની-મોટી ગરબડો હશે, પરંતુ જેનું પેટ ભરાય છે એ બાળકોને તેનાથી કશો ફરક પડતો નથી.

૨૩ ઓગસ્ટ, ૧૯૯૫ : મોબાઈલ ફોનની શરૂઆત

આજે કોઈ મોદી ટેલસ્ટ્રા કંપનીને ન ઓળખે પણ ભારતમાં બે દાયકા પહેલા મોબાઈલની શરૃઆત એ કંપનીએ કરી હતી. એ વર્ષે જ ભારતમાં નોકિયાએ હેન્ડસેટ વેચવાની શરૃઆત કરી હતી. ભારતના મોદી ગૂ્રપ અને ઓસ્ટ્રેલિયાની કદાવર ટેલિકોમ કંપની ટેલસ્ટ્રાએ સાથે મળીને એ સેવા શરૃ કરી હતી. પછીથી એ કંપનીને ભારતી ગૂ્રપે ખરીદી લીધી હતી, માટે આજે ભારતમાં ક્યાંય તેનું નામ નથી. કંપની કલકત્તામાં સ્થપાઈ હતી, માટે તેની શરૃઆત કરવા બંગાળના મુખ્યમંત્રી હાજર રહ્યાં હતાં. અગાઉ કેન્દ્રિય ટેલિકોમ મંત્રી સુખારામ અને બંગાળના મુખ્યમંત્રી જ્યોતિબસુએ એકબીજા સાથે ફોન પર વાત કરીને સત્તાવાર ટેલિફોન સેવાનો આરંભ કરાવ્યો હતો. આજે મોબાઈલ ફોનની અનિવાર્યતા વિશે દેશમાં કોણ અજાણ છે?

ઓક્ટોબર, ૧૯૯૭ : જગતનું એકમાત્ર મરી કેન્દ્ર શરૂ

મરીનો વેપાર એ કદાચ બહુ મહત્ત્વની વાત ન લાગે તો રસોડામાં તપાસ કરી લેવી. કેમ કે કોઈ રસોડું મરી વગરનું ન ચાલે. મસાલા શબ્દ સાથે મરી અનિવાર્યપણે જોડી દેવામાં પણ આવે છે. દક્ષિણ ભારત મરી-મસાલાના વેપાર માટે જાણીતું છે. એટલે જ યુરોપિયનોએ ૫૦૦ વરસ પહેલા ત્યાં સુધી પહોંચવાનો મારગ પણ શોધી કાઢ્યો હતો. એ મરી (અંગ્રેજીમાં પેપર)નું એકમાત્ર આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ (જથ્થાબંધ વેપાર કેન્દ્ર) કેરળના કોચીમાં ૧૯૯૭ના ઓક્ટોબરમાં ખુલ્લું મુકાયુ હતું. આ એક્સચેન્જની સરખામણી ન્યુયોર્કના શેરબજાર સાથે થાય છે. જેમ ન્યુયોર્કના શેરબજારમાં દુનિયાભરની કંપનીઓ વેપાર કરે છે, તેમ કોચીના એક્સચેન્જમાં પણ જગતભરના દેશો વેપાર કરે છે.

૧૧ મે, ૧૯૯૮ : હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું

પરમાણુ શસ્ત્રોના બે પ્રકાર છે, પરમાણુ બોમ્બ અને વધુ ઘાતક હાઈડ્રોજન બોમ્બ. ૧૯૯૮ના આકર ઊનાળામાં ભારતના વિજ્ઞાનીઓ અને સંરક્ષણ નિષ્ણાતોએ પરસેવો પાડીને આખા જગતને ધુ્રજાવતા ધડાકા કર્યા હતા. ૧૧ અને ૧૩ તારીખે ભારતે કુલ મળીને પાંચ અલગ અલગ શસ્ત્રોનંર પરીક્ષણ કર્યું હતું. એ પછી તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભારતની પરમાણુ તાકાત અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. ૧૧મી મે ત્યારથી ભારતમાં 'નેશનલ ટેકનોલોજી ડે' તરીકે ઉજવાય છે. ભારત માટે વિશેષ ગૌરવની વાત એટલા માટે હતી.


કેમ કે દિલ્હીમાં અમેરિકી જાસૂસોની હાજરી અને આકાશમાં અમેરિકી ઉપગ્રહોની નિગરાની છતાં ભારતની ટીમે સમગ્ર મિશન ભારે ચૂપકીદીથી પાર પાડયું હતુ. ગુપ્તતા માટે ડો.અબ્દુલ કલામ, ડો.આર.ચિદમ્બરમ સહિતના વિજ્ઞાનીઓએ લશ્કરી પોશાક ધારણ કર્યો હતો અને તેમને લશ્કરી નામ પણ આપવામાં આવ્યા હતા. જેમ કે મેજર જનરલ પૃથ્વીરાજ એટલે ડો.અબ્દુલ કલામ!  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો