શનિવાર, 1 જુલાઈ, 2017

જીએસટીમાં સામેલ ૮૦ ટકા વસ્તુઓ પર ૧૮ ટકાની અંદર ટેક્સ લાગશે





  • દુધ, ઇંડા, શાકભાજી વગેરેને જીએસટીમાંથી બાકાત રખાયા
  • દૈનિક વપરાશમાં લેવાતી ૭૮ ટકા દવાઓના ભાવમાં કોઇ ફરક નહીં પડે

જીએસટીમાં સામેલ વસ્તુઓમાં ૧૯ ટકા લક્ઝરી વસ્તુઓ, જેના પરનો જીએસટી ૧૮ કે તેથી વધુ રહેશે તા. 30 જૂન, 2017, શુક્રવાર પહેલી જુલાઇથી સમગ્ર દેશમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ કરી દેવામાં આવ્યો છે.

જીએસટીને લઇને લોકોમાં કેટલાક સવાલો પણ ઉભા થઇ રહ્યા છે કેમ કે દેશમાં આ નવો ટેક્સ છે. આ પરિસ્થિતિ વચ્ચે સરકારે દાવો કર્યો છે કે જીએસટી જે પણ વસ્તુઓ પર લાગુ કરવામાં આવી રહ્યો છે તેમાંથી ૮૦ ટકા વસ્તુઓ એવી છે કે જે ૧૮ ટકા કે તેથી ઓછા ટેક્સ હેઠળ આવશે.

મોટા ભાગે બ્રાન્ડિંગ વસ્તુઓને જીએસટીમાં સામેલ કરવામાં આવી છે. જ્યારે શાકભાજી, દુધ, ઇંડા અને લોટ જેવી વસ્તુઓને જીએસટીમાંથી બાકાત રાખવામાં આવી છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવાઓને પણ જીએસટીની બહાર રખાઇ છે.

ચા, ખાધ્ય તેલ, ખાંડ, ટેક્સટાઇલ્સ અને બેબી ફોર્મ્યુલા વગેરે પર પાંચ ટકા જેટલો ટેક્સ લાગશે.

મોટરસાઇક્લ, પર્ફ્યુમ, શેમ્પુ જેવી લક્ઝરી વસ્તુઓ ટેક્સ હેઠળ આવતી વસ્તુઓના ૧૯ ટકા છે.

૧૯ ટકા વસ્તુઓ પર આશરે ૧૮ ટકા કે તેથી વધુ ટેક્સ લાગશે.

કેન્દ્ર અને રાજ્યના મળીને આશરે ૧૬ જેટલા જુદા જુદા ટેક્સ જેમ કે વેટ, એક્સાઇઝ, સર્વિસ ટેક્સની જગ્યાએ જીએસટી સ્થાન લેશે. કેન્દ્રીય રેવન્યૂ સેક્રેટરી હસમુખ અઢીયાએ જણાવ્યું હતું કે જીએસટી અંગે લોકોને વધુ માહિતગાર કરવા માટે સરકારનો ટેક્સ વિભાગ સક્રિય કરી દેવામાં આવ્યો છે.

જીએસટીને કારણે પ્રામાણીક  કરદાતાઓને લાભ મળશે. આ ઉપરાંત દેશમાં પારંગતતા આવશે. આ પહેલા ૧૦ લાખથી વધુનું ટર્નઓવર કરનારા વ્યાપારીઓ વેટનો પુરો દર ચુકવતા હતા. જ્યારે તેમને એક્સાઇઝમાંથી છુટ અપાઇ હતી. પણ હવે જે વ્યાપારી ૨૦થી ૭૫ લાખનું ટર્નઓવર કરે તેમણે આ કમાણીના ૨.૫ ટકા ટેક્સ ચુકવવાનો રહેશે. જ્યારે ૨૦ લાખથી ઓછા ટર્નઓવર વાળા વ્યાપારીઓને આ ટેક્સથી બાકાત રખાયા છે.  


દવાઓ પર જીએસટી અંગે પણ નેશનલ ફાર્મા પ્રાઇઝિંગ ઓથોરોટી (એનપીપીએ) દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે હાલ જે દવાઓ માર્કેટમાં વેચાઇ રહી છે તેમાંથી ૭૮ ટકા દવાઓના ભાવમાં જીએસટી લાગુ થયા બાદ કોઇ જ ફરક નહીં પડે. એટલે કે દવાઓ પર જીએસટીની અસર નહીવત રહેશે. ખાસ કરીને દૈનિક વપરાશમાં લેવાતી દવાઓ આ અસરથી બહાર રહેશે. એનો અર્થ એમ પણ થયો કે આ દવાઓ સસ્તી પણ નહીં થાય. હાલ જે ભાવ છે તે જ રહેશે.





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો